રાષ્ટ્રવાદ અને અનુશાસનનો પાઠ ભણાવવા સરકાર દર વર્ષે 10 લાખ યુવાનોને આપશે મિલિટરી ટ્રેઇનિંગ!
સરકાર એક મોટું આયોજન હાથ ધરી રહી છે
નવી દિલ્હી : વિદ્યાર્થી જીવનમાં રાષ્ટ્રવાદનો પાઠ ભણાવીને અનુશાસિત યુવાનોની ફોજ તૈયાર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. આ આયોજન અંતર્ગત 10 લાખ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને 12 મહિનાની મિલિટરી ટ્રેઇનિંગ આપવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. આ આયોજન અંતર્ગત 10 ધોરણ અને 12 ધોરણ સુધી અભ્યાસ કરીને કોલેજ જતા વિદ્યાર્થીઓને નિશ્ચિત ભથ્થું આપવાનો પણ પ્રસ્તાવ છે. ધ ઇ્ન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે સરકાર એને નેશનલ યુથ એમ્પાવરમેન્ટ સ્કીમ (N-YES) ના્મ આપી રહી છે. આ સાથે એવો નિયમ પણ ઘડવામાં આવશે કે સેના, અર્ધ સૈનિક દળ તેમજ પોલીસની ભરતી 12 મહિનાના પ્રશિક્ષણ કાર્યક્રમને પુરો કરવો અનિવાર્ય શરત હશે.
પ્રસ્તાવ પ્રમાણે આ સ્કીમમાં રાષ્ટ્રવાદ, અનુશાસન તેમજ આત્મગૌરવના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ સાથે મિલિટરી ટ્રેઇનિંગ સાથે વોકેશનલ અને આઇટી કૌશલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભારતીય મૂલ્ય, યોગ, આર્યુવેદ તેમજ પ્રાચીન ભારતીય દર્શનનો વિદ્યાર્થી સાથે પરિચય કરાવવામાં આવશે.
એક વર્ષના આ લાંબા પ્રોગ્રામને ગ્રામીણ વિસ્તારના યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આ્વ્યો છે. આ સ્કીમ માટે ફંડની વ્યવસ્થા એનસીસી તેમજ એનએસએસના વર્તમાન બજેટમાંથી, કૌશલ વિકાસ મંત્રાલયમાંથી તેમજ મનરેગા ફંડમાંથી કરવામાં આવશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે સુત્રોના હવાલાથી માહિતી આપી છે કે આ પ્રસ્તાવિક સ્કીમ વિશે ચર્ચા કરવા માટે પીએમઓએ એક બેઠક બોલાવી હતી. જોકે કેટલાક અધિકારીઓએ આ યોજના પર સવાલ ઉઠાવીને સૂચન આપ્યું છે કે એના બદલે નેશનલ કેડેટ કોર (એનસીસી)ને મજબૂત બનાવી શકાય છે.